Tuesday, May 30, 2017

Alone

એકલતાને રંગ આપીદઉં,
લાવ સોનેરી સંગ આપીદઉં.

ખોળ્યું અંતર મનખા માંહે,
લાવ તારું નામ આપીદઉં.

કાચી નિંદ્રા પારણે પોઢી,
ખુલ્લા નભને જંગ આપીદઉં.

વિચરે સાવ આંખ એકલી,
પગદંડી પર અંગ આપીદઉં.

ચાલ ભરીએ સ્વાદ જીવનમાં,
લાવ સમજણને અંત આપીદઉં.

એકલતાને રંગ આપીદઉં,
લાવ સોનેરી સંગ આપીદઉં.
-મૂકેશ બારીયા

Friday, May 26, 2017

ઝાકળ બિંદુ

સમજવો હોય તો ઈશ્વરને સમજો,
હું તો પળ પળ બદલતો માણસ છું.
- ઝાકળ બિંદુ
મળ્યા ન'તા ત્યારે ખરીદનાર કોઈ દોસ્ત !
ખોલી'તી હાટડી જ્યારે મહોબ્બતની દોસ્ત !
વણમાગ્યું મૂલ આપનાર મળ્યા ત્યારે,
જયારે વેચાય ગઈ હાટડી અમારી દોસ્ત!!!
- ઝાકળ બિંદુ
જયાં એક શબ્દે લાખો વરસી પડે છે,
ત્યાં કોઈ ભિક્ષુ નિશદિન રટ્યા કરે છે.
ઇશ્વર તારો ન્યાય છે અજબ ગજબનો,
કોઇ લાખમાં તો કોઇ રાખમાં લોટ્યા કરે છે.
...
અમૂલ્ય છતાં, મૂલ હીન છે સરજન તારું,
સગવડમાં તો કોઇ અગવડમાં જીવ્યા કરે છે.
જયાં એક શબ્દે લાખો વરસી પડે છે,
ત્યાં કોઈ ભિક્ષુ નિશદિન રટ્યા કરે છે.
- સુપ્રભાતે ઝાકળ બિંદુ
કેટલાક દિવસોની માથાકુટ પછી આખરે ભત્રીજા હર્ષ માટે દેખીતી સારી સ્કૂલ મળી ગઇ. સારી સ્કૂલ શોધવા એકાદ અઠવાડિયું નિકળી ગયું.  જોકે જે જે શાળાની મુલાકાત લીધી તે દરેકે હથેળીમાં ચાંદો ચોક્કસ બતાવી આપ્યો. પણ કરવું શું?  ડગલે ને પગલે, શેરીએ કે મહોલ્લાના નાકે જ્યાં જઇએ ત્યાં ઇન્ટરનેશનલ સ્કૂલનાં પાટીયા લટકી રહ્યાં છે, અને બોર્ડમાં પ્રથમ, A+  ગ્રેડ કે સેન્ટર  ફસ્ટ ના આંખો આંજી દેતા હોર્ડિંગ્સ લાગ્યાં છે. અભણ કે ગભરુ વાલી  બીચારો અંજાઈ જાય તે સ્વાભાવિક છે. અધુરામાં કંઈ બાકી હોય તેમ શહેરના મોટા મોટા બંગલાની બહાર લટકતી તકતીઓ જોઇ, બંગલાઓની અંદરની વાસ્તવિકતાથી અજાણ્યા આ ભીરુ માણસ જે પોતે ન મેળવી શક્યા તે પોતાના સંતાનો પાસે ઇચ્છા રાખવા મજબૂર થઇ જાય છે. અને ઉઘાડી લૂંટ કરનારી આવી શાળાઓમાં પોતાની જાત ઘસી ને એકઠી કરેલી મૂળી ડિપોઝિટ, સ્કૂલ ફિ, ટ્યુશન ફિ અને કંઈ કેટલાય અઘરા શબ્દોની માયાજાળના ગૂંચવાડા ઉકેલ્યા વિના જ ભરી આપે. ફિ પહોંચ ને ઘડી પાડતાં પાડતાં જાણે બબડી રહે છોકરાંઓ ને ભણાવવા હોય તો ફિ તો ભરવી પડેને !!! અને આવા બેબસ માતા- પિતા આંખોમાં સંતાનોના સોનેરી ભવિષ્યની આશા લઇ બીજા સત્રની ફિ માટે  ફરી તનતોડ મહેનત કરવા લાગે છે. ક્યાં સુધી આ બધું ચાલશે? ? કયાં સુધી સવાર સાંજનું કમાતો માણસ  લૂંટાતો રહેશે? ? 

તું આવ્યો અને ઉજવાય ગયો

તું આવ્યો અને ઉજવાય ગયો,
જાણે મહેરામણ સાવ સુકાઈ ગયો.

લકીર સી એ રેખા જીવનની,
મલકાટથી સાવ કાપી ગયો.

હતાં સોહામણાં સ્વપ્ન નયનમાં,
એકજ પલકારે સહજ તોડી ગયો.

તું આવ્યો અને ઉજવાય ગયો,
જાણે મહેરામણ સાવ સુકાઈ ગયો.

કાચી ૠતમાં, ઘનઘોર વનમાં,
આમ્રકોકીલા ઇવ ટહુકી ગયો.

તું આવ્યો અને ઉજવાય ગયો,
જાણે મહેરામણ સાવ સુકાઈ ગયો.

ભેંકાર રણમાં અમૃત સમ વિરડી,
ખિલી ચંદ્રીકાને આમ સુકાઈ ગયો.

કરશે કૃપા સરજનહારા,પૂરશે કોડ અધુરા,
જે વમળમાં આમ અચાનક,
મહેરામણ સો સુકાઈ ગયો.

તું આવ્યો અને ઉજવાય ગયો,
જાણે મહેરામણ સાવ સુકાઈ ગયો.

- મૂકેશ બારીયા
Dedicated to
Naran Khodabhaya

Friday, May 5, 2017

બોર્ડનું પરિણામ આવ્યું ને કાનજી અને લાખીના હરખનો કોઇ પાર ન રહ્યો. હરખ કેમ ન થાય !ગામની નાનકડી હાઇસ્કુલમાં ભણતા જાજી ખોટના અને દ્વારકાધીશ પરની અતૂટ શ્રદ્ધાથી અવતરેલ દેવના અંશ જેવો લાડકવાયો દિકરો પહેલા નંબરે પાસ થયો હતો. કુટુંબમાં પાંચ ચોપડીથી વધારે કોઇ ભણેલ ન હતું અને એમાં શ્યામ દશમા ધોરણમાં પહેલા નંબરે પાસ થયો ,  કાનજી અને લાખીના હદયમાં આનંદની કોઈ સીમા ન રહી.

સાથે અભણ દંપતિ મૂંઝવણમાં મુકાઇ ગયા. ..!! હવે શ્યામને કયાં ભણાવવો અને કઇ ભણતરમાં મૂકવો એ એમને સમજાતું ન હતું.  ગામના નિવૃત્તિને આળે પહોંચેલા પોસ્ટ માસ્તર મગનકાકાએ શહેરમાં વિજ્ઞાન ભણાવવાની સલાહ આપી. પણ વિજ્ઞાન ભણાવવાની ફી અંગે વાત કરતાં મગનકાકા અટક્યા. હેં! મગનકાકા કેટલા રુપિયાની જરૂર પડે ? નિખાલસતાથી શ્યામના માથાં પર હાથ ફેરવતાં લાખીએ પૂછ્યું. કાનજીની આર્થિક પરિસ્થિતિથી વાકેફ એવા મગનકાકાએ કાનજી ના ખભે હાથ રાખતાં કહયું, એકાદ લાખમાં એક વરસ ભણાવે અને બે વરસના બે લાખ રૂપિયા થાય, વળી ગણવેશ, ચોપડીઓ અને ટ્યુશન વગેરેની ફી નોખી. દંપતિ મગનકાકાની વાત સાંભળી અવાક્ થઇ ગયાં.  આનંદની ભરતી ધીરે ધીરે ઓટમાં પરિણમી.  બન્ને ના ચહેરા વિજ્ઞાન શાળાની ફી જાણી ફિક્કાં પડી ગયાં.

શુભેચ્છા આપવા આવનાર વળી દિકરના ઉજ્જવળ ભવિષ્યના સપના રોપી ચાલ્યા જતાં. જો કાનજી તારો શ્યામ ભણશે તો મોટો સાઇબ બનશે, મોટો બંગલામાં રે'શે અને મોટરગાડ્યુમાં ફરશે હો !! તારી જેમ ખેતરના ખુણે થતી ઉપજ પર આધાર નહીં અને લાખો કરોડોની કમાણી કરશે. આવી કેટલીય વાતો સાંભળી અમારો શ્યામ ભણીગણીને મોટો માણસ થાશે અને અમારા દુઃખના દાડા પૂરા થશે એમ માની ગમે તેટલો ખર્ચ થાય, મરણ મૂળી ખરચી નાખશું, જાત ઘસી નાખશું, દિવસ રાત તનતોડ મહેનત કરીશું પણ શ્યામને ભણાવશું જ  એમ યુગલે ગાંઠ વાળી લીધી. અને શહેરની સારી ગણાતી ખાનગી શાળાને સરનામે ત્રણેય નિકળી પડ્યાં.

બસ સ્ટેશન પરથી શાળાએ જવા રીક્ષા કરી અને રીક્ષા શહેરના પોસ વિસ્તારમાં થઇ ધુમાડાના ગોટા ઉડાડતી આગળ વધી રહી.  રીક્ષામાંથી ત્રણેયની આંખો મોટા મોટા બંગલા અને ગાડીઓ પર મંડાઈ રહેતી અને મન સપનાંઓનાં તાણાવાણામાં અટવાઈ જતાં.  શાળાએ પહોંચી દંપતિએ પાઇ - પાઇ જોડી ભેગા કરેલા પચાસ હજાર એક સત્રના ભર્યા. બે વર્ષની ફી બે લાખ નક્કી કરી એડમિશન કન્ફર્મ કર્યું.  શ્યામ ને શિખામણ આપી ભણવા મૂકી ગયા.  માતા-પિતાની પરિસ્થિતિથી અવગત શ્યામ પણ ઉત્સાહથી ભણવા લાગ્યો.

કાનજી અને લાખી બાપુકી મળેલી બે વિઘા જમીન માં તનતોડ મહેનત કરવા લાગ્યાં.  પણ તન કામે પેટ ભરાય ને ધન કામે ઢગલો થાય ના ન્યાયે કહો કે વિધાતાની કસોટી, ચોમાસામાં વરસાદી માહોલ જામ્યો પણ જોઇએ તેટલો વરસ્યો નહીં.  ચોમાસુ સીઝન હાથ લાગે એ પહેલાં જ શ્યામની શાળાનો બીજો હપ્તો સામે આવી ઉભો રહ્યો. દંપતિ મૂંઝવણમાં મુકાઇ ગયું. સગાંવહાલા કોઈ એટલા સધ્ધર નહી કે તેમની પાસે મદદનો હાથ લંબાવી શકાય. વળી કાનજીનો સ્વભાવ પણ સ્વમાની 'માગવા કરતાં મરી જવાય' સૂત્રની ખુમારીથી જીવનારો  માનવી. પણ આતે દિકરાના ઉજળા ભવિષ્ય માટે ગામના આગેવાનો અને મોભીઓ પાસે મદદ માટે હાથ લંબાવી આવ્યો પણ કોઈ ઉછીના રૂપિયા આપવા તૈયાર ન થયું.  યુગલ ખરેખરી મૂંઝવણમાં મુકાઇ ગયુ.  આખરે ધીરધારનો ધંધો કરનાર માથાભારે મેરામણ પાસે વ્યાજે પૈસા લેવા સિવાય કોઈ વિકલ્પ રહયો નહીં. મેરામણે પાંચ ટકે પૈસા આપ્યા અને કાગળોમાં અંગુઠો લઇ લીધો.  પાકેલો મોલ કાંટે ચડ્યો પણ પાંચ હજાર થી પાંચકું એ વધારે ના મળ્યું, અને ચિંતાના વાદળો ઘેરાયાં.

કરમ કઠણાઈએ દૂષ્કાળના ઓળાં ઉતર્યાં. ન ઉપજ કે ન મજુરીએ કોઇ રાખે વળી વ્યાજનું ચક્કર તો દિવસ રાત ફર્યા કરે. બીજા વરસે પણ મેરામણ પાસેથી ઉછીના લઇ દિકરાની ફી ભરી.

બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આવી પહોંચી . ગળાકાપ હરીફાઇમાં પોતાની શાળાના વિદ્યાર્થીઓ સારો દેખાવ કરે તે માટે શાળામાં ચોરી કરાવવા લાગ્યા. અને એક દિવસે ચેકીંગ આવતાં શ્યામ ના વર્ગના તમામ વિદ્યાર્થીઓ પર કોપી કેસ કર્યો.  શ્યામ જાત મહેનત અને નીતિમતાથી પરીક્ષા આપતો હતો અનેક કાલાંવાલાં કરવા છતાં અધિકારી ટસના મસ ન થયા. શ્યામ ની આંખો માં ઝળહળીયાં આવી ગયાં, મા બાપના એ ભલાભોળા ચહેરા તેની આંખો સામે તરી રહયા, તેમના સપના, તેમની અપેક્ષાઓ કંઈ કેટલાય વિચારોએ એ ને ભાંગીને ભૂકો કરી નાખ્યો. અને હતાશાની ખીણમાં ગરક થઇ ગયો.

બીજી બાજુ જમીન હડપ કરી જવા મેરામણે પઠાણી ઉઘરાણી આદરી. દોઢ લાખના પાંચ લાખની ઉઘરાણી આવી. જો રૂપિયા ન હોય તો જમીન આપી છુટી જા ના કે'ણ મોકલાવ્યા. ગભરુ દંપતિ કહે તો કોને કહે ?? માથાભારે લોકો એક યા બીજી રીતે હેરાન કરવા લાગ્યા. તેમનું જીવન દૂષ્કર થઇ ગયું.

દિકરા શ્યામને ભણાવી ગણાવી મોટા સાહેબ બનાવવાનું અરમાન જાણે ધૂળ ધાણી થતું કાનજી અને લાખી જોઇ રહ્યાં. ગામ છોડીને જતા રહેવાના વિચાર આવે પણ મેરામણના કાળ જેવા લાંબા હાથ તેને ગમે ત્યાંથી શોધી કાઢશે એવા વિચારે અટકી ગયાં. મેરામણને બાપ-દાદા ના વારસે મળેલ જમીન આપી દીધી છતાંય વ્યાજનું ચક્કર ફર્યા જ કરે ફર્યા જ કરે. .......

અચાનક શ્યામની શાળાએથી કહેણ આવ્યું. શ્યામે હોસ્ટેલના પંખે લટકી મોતને વહાલું કરી લીધું.
કાનજી અને લાખીના આંખોએ અંધકાર છવાઈ ગયો. ગળાફાંટ રૂદન ન થઇ શક્યું. અને બન્ને શૂન્ય બની ગયાં. શ્યામના શબને લઇને આવતી ગાડીની રાહ જોઈ  ઉભેલા ડાઘુઓએ શ્યામને જ નહીં પણ ગારથી લીપાયેલ ખોરડાંનાં એક ખૂણે દોરડે લટકતા કાનજી અને લાખીના શબને પણ અગ્નિદાહ આપ્યો. . . . .

મગનકાકાની ભિનિ આંખોમાં એકજ સવાલ ભમી રહયો. . વિધાતા શા માટે માણસને ગરીબી આપતો હશે.??

- MUKESH BARIYA