Friday, March 17, 2023

કોરોકટાક

 'કોરોકટાક છું'ગઝલનો આસ્વાદ.

પ્રસ્તાવના:-

જુનાગઢી ચારણત્વનો વૈભવ એટલે સાહિત્ય જગતનું ખમીર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, ગીર કેસરીની ત્રાડો જેવું તેજ રાજભા ગઢવી, 'કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો ' થી દરેકનાં કાળજાં પીગળાવી નાખનાર પદ્મશ્રી કવિ દાદ અને ગઝલના માર્ગે નીકળેલો નવ યુવાન મિલિંદ ગઢવી.


જુનાગઢ ગઝલ પરંપરાનો સીધી લીટીનો વારસદાર એટલે મિલિંદ ગઢવી. મનોજ ખંડેરીયા, રાજેન્દ્ર શુકલ અને શ્યામ સાધુ પછીનો ચમકતો તારાક એટલે મિલિંદ ગઢવી. મિલિન્દ ગઢવીએ પોતાની ગઝલ રચનામાં પોતાની નોખી કેડી કંડારી છે. અભ્યાસે MBA અને બેંકમાં નોકરી એટલે હિસાબી માણસ, આમ જોઈએ તો સાચા અર્થમાં હિસાબ-કિતાબનો માણસ, પણ વળગણે કવિ અને ગઝલકાર. ગુજરાતી, હિન્દી કે પછી ઉર્દુ હોય જેની કલમ અટકતી નથી તેવો સમર્થ સર્જક એટલે મિલન ગઢવી.


અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ રાજકોટે પોતાનું ક્ષેત્ર વિસ્તારી અને સમાચારની સાથે સાથે પ્રકાશનમાં પણ પગરણ કર્યું અને તેમને મિલિંદનો સાથ મળ્યો. સફરની શરૂઆત થઈ અને આપણે સૌને ૨૦૧૯ ના મે મહિનામાં મળી 'રાઈજાઈ'. 


'રાઈજાઈ' માં ૫૧ ગઝલો આવેલી છે. દરેક ગઝલનું વિષય વૈવિધ્ય હ્દય સ્પર્શી જાય તેવું છે. દરેક ગઝલમાં મિલિન્દનો મિજાજ જુદો જ અનુભવાય છે.


-: ગઝલનો આસ્વાદ :-


બારીની જેમ બંધ છું, જડબેસલાક છું, 

પલળી રહેલ ગામમાં કોરોકટાક છું.


કુદરતનું ક્રૂર મૌન છું, કડવી મજાક છું,

મશહૂર છું ને નામનો લાગેલો થાક છું.


રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી,

ઊભો છું લેનમાં અને જૂનો ઘરાક છું.


મારી મનુષ્યતા કોઈ લોલકનો લય હશે,

હું છું ગરીબનો સમય, વસમા કલાક છું.


નરસિંહનો હું વંશ છું, ખુસરોનો અંશ છું,

ગુજરાતીમાં ‘મરીઝ’, ઉર્દૂમાં ‘ફિરાક’ છું.


શેર - ૧

બારીની જેમ બંધ છું, જડબેસલાક છું, 

પલળી રહેલ ગામમાં કોરોકટાક છું.


ગઝલનો ઉઘાડ સંવેદના સભર છે. મત્લાના શેરમાં ગઝલ સૂર્યોદય સમાન છે. બારી જેવી અકળતામાં પણ ખુલ્લા પણું છુપાયેલો છે. જો બારી ખુલી જાય તો બહારનો પ્રકાશ અને બહારની તરોતાજા હવા મન પ્રફૂલ્લીતૌ કરી મૂકે, પણ બે બારીએ પરસ્પર આલિંગનમાં રહીને જડબેસલાક બની રહેવું પડે છે. પલળી રહેલા ગામમાં પણ મિલિન્દ કોરોકટાક છે. જાણે વરસતા વરસાદમાં ઉભેલો માણસ 'ફ્લેશ બેક' વિહરતો હોય તેમ રહે છે સૌની સાથે પણ છતાં એકલી ફકીરી માણે છે. બધા જ શેરમાં રદીફ 'છું'  ટૂંકું ટચ પણ ચોટદાર છે અને પોતાના અસ્તિત્વની સતત હાજરી પુરાવતુ રહે છે.


શેર - ૨

કુદરતનું ક્રૂર મૌન છું, કડવી મજાક છું,

મશહૂર છું ને નામનો લાગેલો થાક છું.


કૂદરતના અનેક સ્વરૂપો છે, પણ મિલિન્દ તો જાણે ક્રૂર મૌન અને મજાકની મિઠાશથી દુર કડવાશ લઈ જીવે છે. એ જગ પ્રસિદ્ધ છે, છતાં એના નામનો જ ભાર લઈ ફરતો હોય તેમ 'નામનો લાગેલો થાક છું.' કહી સફળતા પછીનો થાક અને એકલતા તરફ પ્રયાણ સુચવે છે.


શેર - ૩

રાશન તમારી યાદનું ખૂટી ગયું ફરી,

ઊભો છું લેનમાં અને જૂનો ઘરાક છું.


ખોરાકનો અભાવ શરીરને કૃશ બનાવી દે છે આથી ખોરાક શરીર માટે જરૂરી છે. તેમ વિરહી જનો માટે ગમતાની યાદ રાશનનું કામ કરે છે અને રાશન ખૂટી ગયા પછી યાદ રૂપી રાશન લેવાનની લેનમાં ઉભા રહી એક જલક માટે રાહ જોતા ઘરાક જેવી વ્યથા મિલિન્દ અહીં ઠાલવે છે.


શેર - ૪

મારી મનુષ્યતા કોઈ લોલકનો લય હશે,

હું છું ગરીબનો સમય, વસમા કલાક છું.


આ શેરમાં મિલિન્દ ગરીબના સમયની યાદ કરી વસમા સમયના એક એક ક્ષણમાં પડતી કઠણાઈઓનું તાદૃશ વર્ણન કરે છે. એક ક્ષણ માટે ચૂકી ગયેલ માણસ માટે જેમ એક ક્ષણની કિંમત હોય છે તેમ પોતાનામાં રહેલ લોલક જાણે ગરીબની પ્રત્યેક પળને સતત જીવતી રાખે છે.


શેર - ૫

નરસિંહનો હું વંશ છું, ખુસરોનો અંશ છું,

ગુજરાતીમાં ‘મરીઝ’, ઉર્દૂમાં ‘ફિરાક’ છું.


અને છેલ્લે શેર એ મકતામાં મિલિંદ કરુણતાને પાછળ છોડી, ખુમારી થી જૂનાગઢની ધરતીને, ગઝલોને, ગુજરાતી-ઉર્દુમાં તેના સામર્થ્યને જણાવે છે. જુનાગઢ એટલે નરસિંહ અને નરસિંહ એટલે જુનાગઢ આવી ભૂમિ અને આવા ભક્તનો વંશ પોતે છે. ગઝલોને તો તે હાથમાં રમાડે છે જાણે ખુશરોનો અંશ કેમ ન હોય!! ગુજરાતી ગઝલોમાં 'મરીઝ' સમાન અને ઉર્દુમાં 'ફિરાક' સમાન ઉચ્ચ કોટીનો એ સર્જક છે.


ઉપસંહાર:-

 'કોરોકટાક છું' ગઝલમાં મિલિન્દ માનવીય સંવેદનાઓને ખૂબ ઊંડાણથી સ્પર્શે છે, બધામાં રહી અને બધાથી અલિપ્ત રહેનારના ભાવને ખૂબ સૂક્ષ્મ રીતે વર્ણવે છે. પહેલા બે શેરનો વિષયવસ્તુ બિલકુલ સમાન છે. પણ ત્રીજા અને ચોથા શેરમાં કરૂણરસ પ્રબળ બની ગયો હોય તેવું લાગે છે. અને છેલ્લા મક્તામાં તેની એ જ ખુમારી આવી જાય છે. જાણે આળસ મરળી અને ઊભો થયેલો કેસરી સિંહ પોતાની મસ્તીમાં ચાલી નીકળે એમ મિલિંદ પોતે પણ નરસિંહ, ખુશરો, મરીઝ અને ફિરાકને યાદ કરતા બધુ જ તત્વ લઈ ગઝલ પૂર્ણ કરે છે.


સંદર્ભ:-

૧) રાઈજાઈ, -મિલિન્દ ગઢવી, પ્રકાશક:- અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ

૨)ગઝલ: રૂપ અને રંગ, - રઈશ મનીઆર,  અરૂણોદય પ્રકાશન.


- મુકેશ બારીયા

૧૭-૩-૨૦૨૩