Wednesday, January 25, 2017

માણસ માટેનું માપદંડ


શાળાના રોજે રોજના કામના કારણે ઘરનાં સામાન્ય અને નજર અંદાજ કરી દેવાતાં કેટલાંક કામો માટે બે દિવસની જાહેર રજા મળતાં સુરાતન ચડયું અને ઘરવખરી ફેરવ્યાના દિવસથી બાકી રહીગયેલ ખીલા ખીલીઓ લગાડી આપી, અન્ય પરચુરણ કામો કરી નાખ્યાં અને અંતે ચુલાની નળીને ડાબી બાજુને બદલે જમણી બાજુ ફેરવી નાખવા જાતે ચુલો ખોલી નાખ્યો, રીપેરીંગ કંઈ ખાસ ન હતું માત્ર ચાલુ બંધ કરવાના બન્ને કળને એલ્યુમિનિયમના બબ્બે વાઈસર મુકી ટાઈટ કરી દઈએ તો કામ પતી જાય. પણ આ પાંચ પૈસાથી પણ સસ્તો એવો વાઈસર કયાંથી લેવો એ મોટો પ્રશ્ન હતો. આથી લોખંડની એ નળી લઈ હું જુનાગઢના જાહેર માર્ગો પર ગેસના ચુલા રીપેર કરનારને શોધતો શોધતો છેક રાણાવાવ ચોક જઈ ચડયો. રસ્તામાં બાઈક પર વિચારો આવતા કે માત્ર વાઈસર મુકાવી ટાઈટ કરાવવાના આ કામ માટે સાત આઠ કિલોમીટરનું અંતર કાપી નાખ્યું અને એ પણ પાંચ પૈસાના વાઈસર માટે? હશે.....  કયારેક સામાન્ય લાગતી વસ્તુ માટે પણ મોટી હેરાનગતી ભોગવવી પડતી હોય છે. અંતે’’ચુલા રીપેર કરી આપશું’’ નો બૉર્ડ જોયો અને બાઈક રોકી, પંદર વીસ રૂપિયામાં કામ થઈ જશે એમ માની દુકાનનાં પગથીયાં ચડયો. સવાર સવારમાં તાજા મુળમાં દુકાનદાર બેઠો હતો. નવા ચુલાઓ ત્યાં મળતા હતા, રીપેરીંગ કરી આપતા હોય તેવું દુકાનમાં લાગ્યું નહીં આથી સહજ પુછયું. આ નળીમાં વાઈસર મુકી બન્ને કળ ટાઈટ કરવાની છે, શું તમે આ કામ કરો છો? દુકાનદારે મૌન સાથેજ ખુંણામાં કામ કરતા માણસ તરફ અંગુલી નિર્દેશ કર્યો. હું તે ભાઈ પાસે ગયો અને મારી સમસ્યા કહી. તેમણે નળી હાથમાં લઈ કંઈ મહત્વની કામગીરી હોય તેમ કહયું. અળધી કલ્લાક લાગશે. મે સહજ ભાવથી કેટલી મજૂરી થશે તે પુછયું તેમણે કહયું સાંઈઠ રૂપિયા. સાંઈઠ રૂપિયા........ ???? મગજ થોડીવાર સુન્ન થઈ ગયું. જો આ કામ હું જાતે કરી લઉંતો ? કદાચ એકાદ બે વાઈસર બગડે તો પણ સોદો ફાયદાનો રહેશે એમ વિચારી મે કહયું, માત્ર વાઈસર જોઈતા હોય તો કેટલાના આપશો? કારીગરે કહયું દશ રૂપિયાના. સારું તો મને દશના નહીં પંદરના વાઈસર આપી દો. બાજુમાં ઉભેલ અન્ય ગ્રાહક મારી સામે જોઈ મંદમંદ સ્મીત રેલાવી રહયો. પેલા ભાઈએ પંદર રૂપિયાના વાઈસર આપી દિધા. પાંચ પૈસાના વાઈસરની મેં ઘણી વધારે કિંમત ચુકવી આપી. મેં પીસ્તાળીશ રૂપિયા બચાવી લીધાના આનંદમાં મનમાંને મનમાં મારી પીઠ જાતે થાબડતો રહયો, અને પેલોભાઈ પંચાવન રૂપિયાતો નહીં પણ દશ રૂપિયા વગર મહેનતે કમાઈ લીધાના વિચારે પોતાની પીઠ જાતે થાબડતા રહયા.  પણ પહેલા ગ્રાહક ભાઈ બન્નેમાંથી કોણ બાજી મારીગયું તે  નકકી ના કરી શકયા, પણ કદાચ પહેલા કારીગરે વગર મહેનતે આમની પાસેથી દશ રૂપિયા  કમાઈ(પડાવી) લીધા એટલે કારીગરને વધારે હોંશીયાર માનતા હશે અને બાજી કારીગર મારી ગયો એમ માનતા હશે. એમ માનવાને માટે કોઈ શંકાને સ્થાન નથી કેમ કે એ જગ્યાએ કદાચ આપણે હોઈએ તો પણ પેલા કારીગરને જ હોંશીયાર માની લઈએ અને બધે વાતો પણ કરીએ કે સાલો જબરો હોંશીયાર હો.. પેલા ભાઈનું દશનું કરીનાખ્યું. અને આ કહેેવું કાંઈ ખોટું પણ નથી કેમ કે આપણે એવા સમાજમાં રહીએ છીેએ કે જયાં બીજાના કાન કાપીનાખે,અનિતિથી અને બીજાને છેતરીને પૈસા કમાય તેને હોશીયાર કહેવાય છે. ભૂલથી આવી ગયેલ દૂકાનદારના વધારાના પૈસા કે વસ્તુ પરત કરનાર, કે મળેલ વસ્તુ તેના માલીકને પહોંચાડનારને નહીં. અને આપણે પણ આજ ભૂલ ભૂલથી કરી રહયા છીએ અને આપણા બાળકોને સારા માણસ નહીં પણ હોંશીયાર માણસ બનાવવા મથી રહયા છીએ.
અંતે આટલું જ કે હોંશીયાર માણસ માટેનું આપણું માપદંડ કેવું છે?
"બીજાને છેતરીલે તે હોંશીયાર"