Tuesday, May 30, 2023

આહિર દેવાયત બોદરની ઐતિહાસિક વાર્તા

 આહિર દેવાયત બોદર વિશે વર્તમાન સમયમાં ઘણી બધી વાર્તાઓ ઐતિહાસિક તેમજ કાલ્પનિક વિષયવસ્તુ મૂજબ પ્રસિદ્ધ છે. આ બધી વાતોમાં કદાચ થોડું ઘણું અંતર હોઈ શકે પણ સનાતન સત્ય તો એ છે કે આહીર કુળમાં બોદર શાખમાં દેવાયત જેવા ભડવીર પાક્યા છે. જેમણે રાજના રખોપા માટે પોતાના દીકરાના બલિદાન આપી અને રાજને રક્ષણ આપ્યું છે. જૂનાગઢના પ્રસિદ્ધ સાહિત્યકાર દિવાન અમરજી નાણાવટીના પુત્ર દિવાન રણછોડજી પોતાના ગ્રંથ 'તારીખે સોરઠ વ હાલાર' ના પ્રકરણ બીજાની અંદર જુનાગઢ પ્રદેશના રાજાઓની વાત કરે છે. જેમાં સૌપ્રથમ શરૂઆત ચુડાસમા વંશના પ્રતાપી રાજાઓથી થાય છે. દિવાન રણછોડજી અમરજીએ ફારસી ભાષામાં આ ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથનું ગુજરાતીમાં સંશોધન અને ભાષાંતર જૂનાગઢના જ પ્રસિદ્ધ ઇતિહાસકાર શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈએ કરેલ છે. તેમના આ સંશોધન ગ્રંથની અંદર પેજ નંબર ૪૬ થી ૪૯ સુધી આવતી દેવાયત બોદરની વાત અક્ષર નીચે રજૂ કરી છે જે ઇતિહાસ વાચકોને જાણવી ખૂબ ગમશે.


એકવાર ગુજરાતના રાજાનો સંઘ તેના પાટનગર પીરનપટ્ટણથી શ્રી ગિરનારની યાત્રાએ અને દામોદર કુંડમાં સ્નાન કરવા આવ્યો દુર્ભાગ્ય આ સંઘમાં રાજા સિદ્ધરાયની સૂર્ય જેવી પ્રકાશિત અને ચંદ્ર જેવી સુંદર પુત્રી પણ હતી. તેને જોઈને રાહ દયાસની બુદ્ધિ બગડી અને તેણે વગર વિચારે અધીર થઈને તે કુંવારીને મેળવવા ધાર્યું. સંઘને જે કર ભરવાનો હતો તેના અવજી તેણે આ કુંવરીને તેને આપવા આજ્ઞા કરી. સંઘના સેનાપતિએ જ્યારે આ ઉપાધિમાંથી મુક્ત થવા યુક્તિ સિવાય અન્ય કોઈ વિકલ્પ ન જોયો ત્યારે તેણે એવો પ્રસ્તાવ કર્યો કે અમે અમારા પાટનગર પીરનપટ્ટણ જઈ ત્યાંથી રાજરીત પ્રમાણે ડોળો લઈને લગ્ન કરવા પાછા આવશું. બુદ્ધિપૂર્વક કપટ ભરેલી આ યુક્તિ સફળ થઈ અને સંઘ પાછો ગયો.


જ્યારે સંઘ સ્વસ્થાને પહોંચ્યો ત્યારે રાજા સિધદ્રાયે આ વાત સાંભળી અને તેણે જૂનાગઢનો કિલ્લો જીતી લેવાની અને ગિરનારની મજા માણવાની મનમાં ઈચ્છા થઈ તેણે રૂપમાં અને કદમાં સરખી એવી એક દાસીને સુશોભિત વસ્ત્રો પહેરાવી શણગારેલા માફામાં બેસાડી અને કેટલાક સિંહ જેવા સુરવીરોને સ્ત્રીઓનો પોશાક પરિધાન કરાવી તેની સાથે રાખ્યા અને બીજા પાંચસો રથો દહેજનો સામાન રાખવાને બહાને લડવૈયાઓ માટે જોડાવીયા. દરેક રથમાં ચાર ચાર વીરપુરુષને બેસાડ્યા કેટલા એક બહાદર સૈનિકોને વોળાવિયા તરીકે સાથે મોકલ્યા. કેટલીક ટુકડીઓ તેણે આગળથી મોકલી કેહરાવ્યું કે ડોળો અમુક સમયે જુનાગઢ પહોંચશે.


દયાસને આ ડોળામાં લગ્નને બદલે બીજો જ પ્રસંગ બનશે તેનો જરા પણ શક ન આવતા તે નિશ્ચિત થઈ આનંદવિભોર બની ગયો. તેણે શહેરને શણગાર્યું અને તેના ધનકોષના દ્વારા ગરીબોને ખોળા ભરીને દાન આપવા માટે ઉઘાડા મૂકી દીધા અને પોતે વરરાજા બનીને ડોળા સામો તેડવા ગયો. જે રથમાં તેની વાગ્દત્તા બનીને દાસી બેઠી હતી તે રથમાં તે ચડી બેઠો.


જ્યારે રથો નગરમાં પ્રવેશ્યા ત્યારે એક દરવાન કે જે આંખે અંધ હતો છતાં તેના અંતરની આંખોથી જોતો હતો તેણે સ્ત્રીઓને લઈ જતા રથના ફરતા પૈડાનો ભારે અવાજ સાંભળીને મોટા સાદે રાડ પાડીને કહ્યું કે, "આ માર્ગે પસાર થતા રથોમાં આભૂષણોથી અલંકૃત પુષ્પ જેવી સુકોમળ અબળાઓ નહીં પણ પોલાદી શરીરવાળા પુરુષોનો ભાર છે." જ્યારે સૈનિકોને કાને આ શબ્દો પડ્યા ત્યારે તેમણે જાણ્યું કે તેમનો દગો જાહેર થઈ ગયો છે તેથી આ બહાદરો રથોમાંથી નીચે કૂદી પડ્યા અને કહેવા લાગ્યા કે "ઓ વીરો સ્ત્રીઓનો વેશ ઉતારી નાખો અને બતાવી આપો કે અમે અબળાઓ નથી પણ અસી ધારણ કરનારા મર્દો છીએ." વરરાજા દયાસ પાસે પાણી વગરની શોભાની તલવાર હતી તેનાથી જ તેને નાહક કાપી નાખ્યો અને વરઘોડામાં આનંદના કોલાહલને બદલે યુદ્ધ અને સંહારના ઘોરનાદ થયા. આક્રમકોએ કિલ્લો સ્વાધીન કર્યો.


આ ભયંકર હત્યાકાંડ માંથી એક વૃદ્ધાદસી,બાલ્યવયના કુંવર નવઘણને લઈ ભાગી છુટી અને કોડીનાર પરગણાના આલીદર (પ્રચલિત લોક કથા પ્રમાણે દેવાયત બોડીદર નો હતો તેમ તે બોદર શાખનો હતો તેથી ગામ બોડીદર કહેવાયું આ ગામ આલીદર થી બે ત્રણ માઈલ દૂર છે.) ગામે પહોંચી તેને તે ગામના દેવાયત બોદર નામના મુખીને સોંપી દીધો. આ પ્રસંગને કેટલીએ રાતો અને કેટલાય દિવસો વીતી ગયા પછી કોઈ વિક્ષેપ પ્રિય બાતમીદારે એ સમયના રાજના અધિકારીને આ ગુપ્ત વાતની માહિતી આપી દેતાં એ જુલમીએ શકનો તપાસ કરવા ત્યાં પોતાના ગુપ્તચરોને મોકલ્યા અને તે પછી દુષ્ટ સેના નાયકોને જુનાગઢ થી રવાના કર્યા. ઈશ્વર વિમુખ એવા આ માણસોએ દેવાયત આહીરને અણછાજતી ભાષામાં ધમકી આપી, કુંવર નવઘણને સોંપી દેવા તેને આજ્ઞા કરી. શત્રુઓને પોતાના આશરે આવેલા ને સોંપવાનું કાર્ય હિન્દુ ધર્મથી વિરુદ્ધનું ગણાય છે તેથી તેણે નવઘણની અવજી તેના પોતાના પુત્રને તેને હવાલે કર્યો અને તે જુલ્મગારોએ તેનું માથું કાપી લીધું ત્યારે દેવાયતે કહ્યું કે,

મારા તમોને બીક નથી પણ પ્રભુનો ડર રાખજો. (આ પંક્તિ ફીરદુસીએ શાહનામા અંતે લખેલી હુજાની છે.)


આમ થયા પછી પણ વિરોધીઓએ અધિકારીઓને બાતમી આપી કે જે બાળકનો ઘાત કરવામાં આવ્યો તે નવઘણ ન હતો તેથી અધિકારીઓએ નવઘણને રજૂ કરવા દેવાયતને આજ્ઞા કરતા તેણે બીજા પુત્રને સોંપ્યો તેને પણ તેઓએ લોહીમાં રગદોળ્યો. એ પ્રમાણે દેવાયતે એક પછી એક એમ તેના આઠ પુત્રોને આ ઘાતકોને સોંપ્યા અને તેઓએ તેમને તલવારની ધાર નીચે કાઢ્યા આમ દેવાયતને અમર ખ્યાતિ પ્રાપ્ત થઈ.


શુભ કૃત્યથી કિર્તિ મળી (જેને) થઈ ગયો તે નર અમર

પૃથ્વી ઉપર રહે છે પ્રકાશિત જેમ અજરામર કમર(કમર એટલે ચંદ્ર)

તે પછી સર્વ શક્તિમાન, સર્વસત્તાધિશ અને સદા કૃપાળુ સર્વેશ્વરની એવી ઈચ્છા થઈ કે રાજા નવઘણનો ભાગ્ય સૂર્ય તેને પ્રગતિ અને વિજયો આપતો પૃથ્વી ઉપર તપે અને તેના રાજની પુષ્પવાટિકાને સદૈવ ફુલતી, ફાલતી, મહેકતી અને વિકસતી રાખે અને તેના હાથે અંતરને આનંદ આપે એવા સિંધના હૃદયંગમ પ્રદેશમાંથી અનિચ્છનીય તત્વોને ઝેર કરી અપરાધીઓને દંડ આપી યશ મેળવે - દેવી આજ્ઞાથી ભાગ્યાનુકૂળ સૂર્ય ઉદિત થયો. રાજાઓના ક્રૂર અને નિર્દય પ્રયાસોમાંથી તેજ કારણે તેની રક્ષા થઈ હતી.


આ વાતનું સમર્થન એ છે કે દેવાયતને પરી જેવી સુંદર પુત્રી હતી. તે તથા કુવર નવઘણ સમવયસ્ક હતા અને સાથે ઉજરેલા અને સાથે રમી મોટાં થયેલા. તે બંને વચ્ચે ભાઈ બહેન જેવી પ્રીતિ હતી. આ પુત્રી કે જેનું નામ જાસલ હતું તે લગ્ન વયમાં આવતા દેવાયતે મોટા પાયા ઉપર ધામધૂમ કરી તેના લગ્ન આદર્યા પરંતુ તેના પુત્રોનો વધ કરવામાં આવ્યો હતો તેનું વેર લેવાનો વિચાર તેના હૃદયને વ્યથિત કરી રહ્યો હતો તેથી તેણે વિશાળ સંખ્યા ધરાવતી તેની આહિર જ્ઞાતિને પોતાને ત્યાં આમંત્રી તેઓની વચમાં વાત મૂકી કે તેના પુત્રોના વિનાકારણ થયેલા ઘાતના બદલા માટે શું કરવું યોગ્ય છે. આહિરોએ વિચાર કરી એવો અભિપ્રાય આપ્યો કે પિતા પાસેથી પુત્રો અને પુત્ર પાસેથી જે શત્રુઓએ પિતાને છીનવી લીધા તેનો બદલો તે જ પ્રમાણે ખૂનથી લેવો.


આ નિર્ણય લઈ દેવાયત જુનાગઢ ગયો અને રાજા જયસિંહના નાયબને અપાર વિવેક કરી તેના તમામ અમીરો સાથે આલીદર ગામે મહેમાન બનાવી તેડી લાવ્યો. તેમને આ કહેવતની જાણ ન હતી કે 

રાખો વિશ્વાસ શત્રુના વિનય પર એ નરી છે મુર્ખતા 

જે ચરણ ધોતાં રોજ મોજાં તેજ ભીંતને પાડતાં.


સર્વ આમંત્રિતો અને દેવાયતે ભોજન લેવા પંગતમાં બેસાડ્યા કે તરતજ નવઘણ અને આહીરો તેમના ઉપર તૂટી પડ્યા અને પ્રથમ ગ્રાસે જ તેમનું પોતાનું માસ કાગડા અને ગીધડાંઓનું ભક્ષ્ય થઈ ગયું. તે પછી દેવાયતે શત્રુઓને આખા પ્રદેશમાંથી શોધી શોધી સાફ કર્યા અને સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી રાવ નવઘણને જુનાગઢ લઈ આવી વિક્રમ સવંત ૮૭૨ માં સિંહાસને બેસાડ્યો.(તારીખે સોરઠ વ હાલારના અંગ્રેજી ભાષાંતરમાં વિક્રમ સવંત ૮૭૪ છે, ફારસી પ્રતોમાં ૮૭૨ છે. જ્યારે સંશોધિત ઇતિહાસ અનુસાર વિક્રમ સવંત ૧૦૮૧, ઇસવીસન ૧૦૨૫ માં રાહ નવઘણ ગાદીએ બેઠો)