Friday, January 27, 2017

પશ્ચાતાપ

             સાંજનો સમય હતો. આકરા ઊનાળાના અંગારા વર્ષાવી થાકી ગયેલા સૂર્યનારાયણ ક્ષિતિજ પર જુકી ગયા હતા. પવનના લેહેરકાથી ઉડેલી સ્મશાનની રાખમાંથી અંગારા ડોકિયું કરી રહ્યા હતા. સ્વજનો તો ક્યારનાય ચાલ્યા ગયા હતા "બીચારા ના જીવનમાં મોટી ખોટ પડી, પણ આખરે ધાર્યું ધણીનું થાય." એવો દિલાશો આપતી વાતો કરતા છેવટના સાથીઓ પણ ગયા. પરંતુ પાટલી પર બેઠેલા યુવાનની આંખોમાંથી  આંસુની યમુનોત્રી સુકાવાનું નામ ન'તી લેતી. પણ મન આંસુઓથી દુર સીમાળા ઓળંગી પશ્ચાતાપના પાર વિનાના કાંટાળા માર્ગપર વેદના રૂપી સ્મરણો સાથે ભમી રહ્યયું હતું. સમય કે દિશાઓનું એને ભાન રહ્યું નહીં. યુવાને દબાવી રાખેલો ડૂમો બહાર આવી ગયો,  ભેંકાર સ્મશાનમાં ગગન ભેદી અવાજ સાથે પોક મૂકી રડવા લાગ્યો. યુવાનનું કરૂણ આક્રંદ હળવા અંધકારને ભયંકર બનાવી રહયું.  જાણે દિશાઓ, પંખીડાં, વનરાઈ અને વનસ્પતિ પણ યુવાન સાથે રડી રહ્યાં. . . .
ભાગ 2
          સ્મશાનેથી પરત ફરેલા ડાઘુઓ  સ્નાન કરી પોતપોતાના ઘરે રવાના થઇ ગયા હતા. પણ અમરના કોઇ જ સમાચાર ન હતા. પાડોશમાં રહેતી અને દિકરાઓની સંભાળ રાખનાર રંભા ડોસી જય અને વિજયનાં માથાં પર હાથ ફેરવતી દુઃખી હદયથી વહાલ વરસાવી રહી હતી. માના મૃત્યુની વેદનાથી અજાણ વિજય વારંવાર પૂછ્યા કરતો " હેં બા ! મમ્મી કયાં ગઇ ? કયારે આવશે ? મને તેની સાથે કેમ ન લઇ ગઇ ?? " જેવા કેટલાય બાલ સહજ ભાવથી પ્રશ્નો પૂછી રહયો હતો પણ રંભા ડોસી પાસે આંસુ ભરેલી આંખો સિવાય કોઇ જવાબ ન હતો. જય તો આજે છેલ્લા દર્શન માટે રાખેલા સરીતાના મૃતદેહ ને ભેટી મરણ પોક મૂકી ને રડેલો અને રાત પડતાં પડતાં તો બન્ને આંખો  સોજી ગઇ હતી. રડવું છે પણ સ્વરપેટીએ અને આંસુઓ એ એનો સાથ છોડી દિધો હતો.
           સરીતા એટલે મધ્યમ વર્ગમાં જન્મેલી અને કોલેજ પૂર્ણ કરે તે પહેલાં જ લગ્નનાં બંધનમાં બંધાયેલી, સતત સંઘર્ષમય જીવન જીવતી મહેનતુ સ્ત્રી. અઢાર વર્ષ પૂરાં થયાં અને આ બાજુ માતાએ નક્કી કરેલ મૂરતીયા અમર સાથે પરણી ગઇ. જેઠાણીઓના મેણાં ટોણાં સાંભળી જેમ તેમ કરી કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો. પરીવારને અને નોકરી ધંધા વિનાના અમરને મદદરૂપ થવા નજીકના શહેરની એક ખાનગી કંપનીમાં જોડાઈ. ... (ક્રમશઃ)
ભાગ 3
અમર સ્વભાવે સરળ પણ પોતાનાથી હોંશિયાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વને સહન કરી શકતો નહિં. સારું એવું ભણેલ હોવા છતાં કરમની કઠણાઈને લીધે નોકરી મળી નહિ. અને રાતોરાત કરોડપતિ બની જવાના સપનાને કારણે કોઇ નાનો મોટો ધંધો પણ કરી શકયો નહી કે ચાલુ કરેલા ધંધામાં સ્થિર થઇ શકયો નહીં. પોતે કંઈ કમાતો ન હોવાનાં કારણે સરીતાના પગાર પર નિર્ભર રહેવું પડતું અને સમાજમાં આખાબોલા માણસોના વેંણ સાંભળવા પડતાં. આથી સતત લઘુતાગ્રંથિથી પિડાતો રહેતોઈ પોતાની જાતને સરીતા કરતાં નીચી આંકતોઈ સરીતાની... સલાહ કે માર્ગદર્શન ભરેલી વાત સાચી હોવા છતાં પુરૂષ સહજ સ્વભાવથી જ સ્વીકારતો નહીં અને અવાર નવાર નાની સરખી વાતમાં પણ સરીતા સાથે ઝગડા કરી બેશતો. કયારેક તો ગુસ્સો સાતમે આસમાને પહોંચી જતો અને ગાળો સાથે સરીતા પર હાથ પણ ઉપાડી લેતો. પણ ગમે તેવો કઠોર પુરૂષ હોય તેના હદયના કોઈ ખુણો કોમળ તો બચેલો હોય જ. તે સતત આત્મ મંથન કરતો રહેતો અને પોતાને આદર્શ પતિ અને પ્રેમાળ પિતા બનાવવા પ્રયત્ન કરતો રહેતો. આથી સરીતા જયારે કામે જાય ત્યારે બાળકોને પ્રેમથી સંભાળતો અને કયારેક જરૂર પડયે સરીતાના કામમાં ચોકકસ મદદ કરતો. તેનું વ્યકિતત્વ કાંઈક જૂદાજ પ્રકારનું હતું. ખુદ પણ તે કયા રસ્તે જઈ રહયો છે તે નકકી કરી શકતો ન હતો કે મગજ અને મન વચ્ચે સમતુલન જાળવી શકતો ન હતો.... (ક્રમશઃ)
ભાગ 4

           સરીતા એટલે શક્તિનું સ્વરૂપ, વાત્સલ્યનો દરીયો, સહનશીલતાની મૂર્તિ, વિનમ્રતાનું ઝરણું, પરીવારનું રેશમી બંધન.... જેટલી પણ ઉપમા આપીએ તેટલી તેના વ્યક્તિત્વને માટે ઓછી પડે .. એ સરીતા. .  નિખાલસ હદયવાળી, પરીવારની ચિંતા કરનારી, મહેનતુ  એ નારી નહિ પણ સાક્ષાત નારાયણી. સવારે વહેલા જાગી ઘરકામ કરવાનું, જય-વિજય ને માટે નાસ્તો તૈયાર કરી તેમને શાળાએ વળાવવા, પતિ માટે ચા-નાસ્તો અને બપોરનું ભોજન બનાવવું, પોતાનું ટીફીન તૈયાર કરી ઓફિસે સમયસર પહોંચાય એ કાળજી રાખી તૈયાર થવું. આફિસમાં દિવસ ભર લમણાંજીક કરવી, ઘરેઆવી ઘરકામ રસોય અને રાતે પથારીમાં પડે ત્યાં સુધી ... કામ કામ અને કામ...સવારે 6 થી રાતના 12 વાગ્યા સુધી કોઈ પણ રજા વિના, માંદગીની દરકાર કર્યા વિના, કોઇ પણ સ્વાર્થ વિના, કોઇ પણ અપેક્ષા વિના યંત્રવત્ એ આર્યનારી પરીવાર માટે અને વહાલસોયા સંતાનો માટે જાત ઘસી રહી.બાળકો મોટાં થશે ને બધું સારાવાના થઇ જશે એવી આશાએ જીવન જીવી રહી. કિસ્મત  કહો કે ઈશ્વરની કસોટી અવિરત સંઘર્ષ અને દુઃખોથી ભરેલી એની જીંદગીએ બાળપણથી મળેલ હસતા ચહેરાને વૃદ્ધાવસ્થા જેવો ગંભીર બનાવી મૂકેલ. સ્ત્રી અને પુરુષ સંસાર રથના બે પૈડાં કે જે સાથે ચાલી પરીવારની જવાબદારી રૂપી બોજને વહન કરે અને સુખ -દુઃખમાં એક બીજાના પૂરક બની કિસ્મતના કારમા ઘાનું ઓસડ બની શકે, પણ વિધાતાએ બન્ને પૈડાંની જવાબદારી સરીતાના લલાટે લખી દિધેલ. છતાં પણ ઈશ્વરને એક પણ ફરીયાદ વિના, અતુટ શ્રદ્ધાથી થાકયા-હાર્યા વિના જીંદગી જીવી રહી. ... (ક્રમશઃ)