Monday, February 27, 2023

ભાઈ ભાઈ

 કલા એ ઈશ્વરની દેણ છે, પ્રયત્ને કદાચ પંડિત થવાય પણ સિદ્ધહસ્ત કવિ તો જન્મે છે. બાકી વાણિજ્યનો બંદો ગઝલનો સુરમાં કેવી રીતે બની શકે??

'રાઈજાઈ' હાથમાં આવી અને નવું નામકરણ કરી નાખ્યું 'ભાઈભાઈ'. વીસ મિનિટ હર્ષોલ્લાસ અને અદમ્ય આનંદની અનુભૂતિ એટલે મિલિન્દ ગઢવીની 'રાઈજાઈ'. વાંચવામાં વીસ મિનિટ લાગે પણ સમજવામાં સઘળું આયખું ખૂટી પડે.

શરૂઆતે પૂજ્ય બાપુનો રાજીપો અને આશીર્વાદ, અર્પણ અને સંભારણાંનાં ઓવારણાં પછી રાઈજાઈની અનુક્રમણિકા. જેમાં યશવંત લાંબા, ઉર્વીશ વસાવડા અને સંજુ વાળાની શબદ સુગંધ. અને કવિના નિવેદથી ગઝલોની સફર શરૂ થાય છે.

૫૧ ગઝલ અને ૫૧ છુટ્ટા શેર આસ્વાદની ઉજાણી સમજો. 

કેટલાક શેરોની રસાનુભૂતિ લઈએ અને ગઝલામૃતથી અમરત્વ પામીએ... ચાલો માણીએ 

- બારીની જેમ બંધ છું, જડબેસલાક છું,

   પલળી રહેલ ગામમાં કોરોકટાક છું.

- નરસિંહનો હું વંશ છું, ખુસરોનો અંશ છું,

    ગુજરાતીમાં 'મરીઝ', ઉર્દૂમાં 'ફિરાક' છું.

- રસ્તા ઉપર કાળી-ધોળી ભાત 'ને લોકો ચાલે છે,

   ઝીબ્રા-ક્રોસિંગ જેવી થઈ ગઈ જાત 'ને લોકો ચાલે છે.

 કેમ સડકની સાવ વચોવચ એક કિરણ લૂંટાઈ ગયું? અજવાળાને લાગ્યો છે આઘાત 'ને લોકો ચાલે છે.

- મૌનની આંખમાં જે પાણી છે,

   મારે મન એ જ સંતવાણી છે.

  તું મને શક્ય હોય તો માણી લે,

  મારૂં જીવન સતત ઉજાણી છે.

 તારા હાથોના રોટલા વૈભવ,

 બાકી દુનિયા તો ધૂળધાણી છે.

 જેને મળિયે હુવાય્ણથી મળિયે,

 આપણી એ જ તો કમાણી છે.

- ધરી હાથ વરમાળા, ઉદાસી ફરી રહી,

   છડેચોક માણસને વરી જાય,શક્ય છે.

- લખ્યું છે બ્રેઈલમાં મારૂં મરણ,એની ઉદાસી છે,

  ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે.

- ક્યાં કદી ચકલું ય ફરક્યું? રાખી દોને!

  આ નગરનું નામ 'કર્ફ્યુ' રાખી દોને!

- આજ પણ પ્લેટફોર્મ સમજીને મને,

   ટ્રેન ચાલી ગઈ મને લીધા વગર!

- દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,

   તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.

   થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,

   તેથી તો રેલ ના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે.

- વમળના કેસમાં દોષી કરાર, oh goodness!

   મિલિન્દ એટલે હોડીની હાર, oh goodness!

   ગુનો કબૂલ કર્યો એણે જન્મ લેવાનો,

   મિલિન્દ એ જ દિવસથી ફરાર, oh goodness!

- એક સજલ સાંજે સુગંધે મને કહ્યું,-

   મધુમાલતી તમને મળીને ઉદાસ છે.

- મને એ રીતે તું ફરી યાદ આવી,

‌ ભમરડાને જાણે ધરી યાદ આવી.

  ઉદાસીના બે પેગ અંદર ગયા તો,

  મરીઝની ઘણી શાયરી યાદ આવી.

- ઉદાસી સમયની મમીમાં ઢળી ગઈ,

   પ્રતિક્ષા અમારી પિરામિડ બની ગઈ.

  નિહાળીને બાળકનો ગંભીર ચહેરો,

  વયોવૃદ્ધ આંખો અમસ્તી હસી ગઈ.

- આમ ના જોયા કરો આકાશના તારા 'ગ.મિ.',

   આપને આ આપનું એકાંત મારી નાખશે.

- 'એ સાચું તકલીફો સાથે જૂનાગઢમાં જીવ્યો છું,

   એ પણ સાચું ગીતો સાથે જૂનાગઢમાં જીવ્યો છું.

- ધાર્યા કરતાં વ્હેલી થઈ ગઈ,

  જાત સદંતર મેલી થઈ ગઈ.

  મેં હસવાનું શીખી લીધું,

  દુનિયાને મુશ્કેલી થઈ ગઈ.

  ઘેટાં પાછળ ઘેટાં ચાલ્યાં,

  સમજણ સામે રેલી થઈ ગઈ.

  બે ફળિયા એ પ્રેમ કર્યો તો,

  વંડીમાંથી ડેલી થઈ ગઈ.

  દર્પણમાં એવું શું જોયું ?

  ઝમકુ ડોશી ઘેલી થઈ ગઈ.


અંતે મારી કાલીઘેલી તો સાંભળવી જ પડે.

કવિ:-કલમ લઉં હાથમાં ને શબ્દો સરી પડે,

હું:- કલમ લઉં હાથમાં ને શબ્દો ગોતવા પડે...

 ખી ખી ખી......


- મુકેલ બારીયા

      જુનાણું 

   તા.૧/૧/૨૦૨૩