Tuesday, January 24, 2017

લાચારી


                   બે દિવસ પહેલાંની વાત છે, કે જયારે હું એક મિત્રની રાહ જોઈ એક પાનના ગલ્લે ઉભો હતો. સોપારી, તંબાકુ, ચુનો, પાવડર જેવી સામગ્રી માત્રાનુસાર ભેળવી દુકાનદાર પોતાની આગવી અદામાં મસાલો બનાવી રહયો હતો, આ મસાલો જાણે તેનો દુશ્મન હોય તેમ પ્લાસ્ટીકના પટા પર વજન આપી જોરથી ઘસી રહયો. બે - ત્રણ યુવાનો એ બનેલા કશદાર મસાલાની બબ્બે ચપટી મોઢામાં મૂકી વાતોએ વળગ્યા. ત્યાંજ રોડની સામેના બાજુથી રોડ ક્રોસ કરી એક પાંસઠ-સીતેર વર્ષના વૃદ્ધ ગલ્લા પર આવ્યા. કંઈક કચવાતે ચહેરે તેમણે પેલા ગલ્લાવાળાની સામે દશ રૂપિયાની નોટ ધરી અને આજુ બાજુ જોઈ ધીમા અવાજે કહયું ’કાલની બીડીના વાળીલે અને એક બીડીની જુડી આપીદે.’  દુકાનદારે કડક ભાષામાં કહયું ’દાદા તમારૂં ખાતું આમ દશ-દશ રૂપિયા આપી ભરાય એમ નથી. કાલે પૈસા આપી ખાતું ચોખ્ખું કરી નાખો.’ પેલા દાદાએ રૂંધાતા સ્વરે કહયું ’મને વધારે નથી આપતો......’ અને આગળ કંઈ તે બોલીના શકયા,દાદાની આંખોમાં ઝળઝળીયા આવી ગયાં પણ કદાચ એ ગલ્લાવાળો  વાંચીના શકયો. બીડીની જુડી આપ્યા વિનાજ  કડકાઈથી કહયું ’આમ બાજુ પર રહો મને ધંધો કરવા દો.’ દાદા પાસે જાણે શબ્દભંડોળ ખુટી પડયું હોઈ તેમ કંઈ પણ બોલ્યા વિના માથું શરમથી જુકાવી, આંખો પર હાથ ફેરવી કંઈક છુપાવતા હોય તેમ હું જે પાટલીપર બેઠેલો તે પાટલીપર આવી બેઠા. હું આ બધું જોઈ રહયો...

                 દાદા  કંઈક બબડતા હોય તેમ તેમના હોઠ ધ્રુજી રહયા અને એકીટશે દુર પડેલા પથ્થરને જોઈ રહયા. મેં જેમ તેમ કરી થોડી હિંમત દાખવી અને એ દાદાના દુ:ખમાં સહભાગી થાઉં એવા વિચારે હળવેકથી પુછયું.’દાદા કોઈ મુશ્કેલી છે?’ તે લાંબા એવા સમય સુધી કાંઈક વિચારી રહયા અને પછી  કહયું ’હું જીવું છું એજ મોટી મુશ્કેલી છે.’ હું ડઘાઈ ગયો  ’કેમ એમ બોલો છો? ’મારાથી સહજ પ્રશ્ન પુછાઈ ગયો. તેમણે ખીચામાંથી રૂમાલ કાઢી મોઢાપર ફેરવવાના બહાને આંખોનાં આંસુ લુછી મારી નજરોમાં નજર નાખી પોતાની વેદના ઠાલવવાની શરૂઆત કરી... ’જેના માટે જીંદગી ઘસી નાખી હોય, પોતાના સુખનો વિચાર કર્યા વિના જેના દરેક કોડ હસતાં હસતાં પુરા કર્યા હોય, સારા શિક્ષણ મળી રહે તેથી પરીવારથી દુર રહયા હોય, કિલોમીટરો અપડાઉન કરીયું હોય, પચ્ચીસ માંગે અને પચાસ ખીચ્ચા ખર્ચીના આપ્યા હોય, પોતાના  શરીરે કોઈ દિવસ સારાં કપડાં ખરીદી પહેર્યા ન હોય અને તેનીએ એક નાનકડી જીદથી પણ મોંઘાદાટ કપડાં લઈ આપ્યાં હોય અને પોતાની જાતની દરકાર કર્યા વિના જેના માટે જીવ્યા હોય એ સંતાનો જો નિવૃત બાપને બીડી પીવાનાં દસ રૂપિયા પણ પુરા ન આપે તો એ માણસ જીવતો રહે એજ મોટી મુશ્કેલી છે.’ તે દાદા આટલું બોલી અટકી ગયા અને ફરી પથ્થર સામે જોઈ બબડી રહયા.

                 વાતાવરણ ગંભીર થઈ ગયું.મારા મગજમાં કોઈ પ્રશ્ન ન રહયો. મગજ જાણે સત્વહીન થઈ ગયું. આગળનો પ્રશ્ન ન મળ્યો કે  નતો દિલાશા માટે શબ્દો જડયા.  જો તમારી પાસે હોય તો .......

No comments:

Post a Comment