Sunday, July 8, 2012

શૂન્યની કિંમત


શૂન્ય કેમ ખાલી છે ?

      આ પંક્તિઓ લખ્યા પછી મગજમાં જાણે વિચારોનો વનટોળ જાગ્યો.
શૂન્યની કેમ કઈં કિંમત નથી ? શૂન્યને કેમ કોઈ મહત્વ નથી આપતુ ?
શૂન્ય જોઈ કેમ બધા દૂર ભાગે છે ? પણ ખરી રીતે જો શૂન્યનું મૂલ્યાંકન
કરશો તો પ્રસિદ્ધ ગુજરાતી પંક્તિ અવશ્ય નજરમાં તરવરી રહે.
      મિત્ર ઍવો શોધવો ઢાલ સરીખો હોય,
      સુખમાં પાછળ પડી રહે ને દુ:ખમાં આગળ હોય.
      શૂન્ય સમાન કોઈ ત્યાગી નથી. જેમ ખરો મિત્રપોતાના મિત્રનાં સુખના દિવસોમાં
પાછળ રહે અને વિપદ પડે તે આગળ આવી ઉભો રહી તેનાં દુ:ખોને દૂર કરીમૂકે તેમ
શૂન્ય પણ મિત્ર અંકોની આગળ રહે તો પોતાને કઈ લાભ નથી થતો પણ અંકોની પાછળ
રહે તો તેના મિત્ર અંકોની કિંમત અનેક ગણી કરી મૂકે છે.૧ની આગળ જો શૂન્ય હશે તો
તેનું મૂલ્ય ૧જ રહેશે. પણ આ જ શૂન્ય જો તેની પાછળ ઉભું રહેશે તો તેની કિંમત ૧૦ગણી
કરી દેશે.
      શૂન્યને જોવાનો આપણે આપણો અભિગમ બદલવો જોઇઍ. વર્ગમાં ૦ નંબર મેળવનાર
કોઈ વિદ્યાર્થી નથી હોતો છતાં પણ છેલ્લો નંબર મેળવનારને આપણે શૂન્યનાં સ્થાને ગણી
લઈઍ છીઍ. પણ ક્યારેય વિચાર્યું ? કે ૧ પહેલાં શૂન્યનું સ્થાન છે!. ધન અને ઋણને સમતોલ
કરનાર અંક પણ શૂન્ય જ છે. શૂન્યની મહાનતાનાં સેંકડો ઉદાહરણો આપણી આસપાસ રમી
રહ્યાં છે. તે જોશો તો ખરા અર્થમાં શૂન્યનું મૂલ્ય સમજાશે.
 ઈંડા સ્વરૂપ શૂન્યમાંથી નવજીવન ધબકી ઉઠે છે,
 આંખોની કીકી રૂપી શૂન્ય પોતાનામાં સંસારની રંગબેરંગી પળોને કંડારી લે છે,
 તેમજ પૃથ્વી સ્વરૂપ શૂન્ય પોતાની અંદર અફાટ જીવસૃષ્ટિ સમાવી રહ્યું છે,
 જેમ બે શૂન્યનો સરવાળો પણ શૂન્ય જ રહે છે તેમ બ્રહ્મ તત્વ પણ શૂન્ય સ્વરૂપ
છે. બ્રહ્મતત્વમાંથી છુટો પડેલો આત્મા ફરી બ્રહ્મતત્વમાં લીન થાય છતાં પણ
બ્રહ્મતત્વમાં કોઇ વિકાર નથી થતો.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पुर्णमुदच्यते
पूर्णश्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
 પૂર્ણ તે, પૂર્ણ આ, પૂર્ણથી પૂર્ણ ઉદ્ભવે, પૂર્ણમાંથી પૂર્ણ લેતાં, પૂર્ણ જ શેષ રહે.
ઋગ્વેદમાં કહેવાયું છે કે, સૃષ્‍ટી પહેલાં સત્ય નહોતુ, અસત્ય પણ નહોતું, અંતરિક્ષ પણ નહોતું
અને આકાશ પણ નહોતું. ક્યાં શું છુપાયું હતું, કોણે જોયું હતું. એ ક્ષણે તો અગમ, અટલ જળ પણ
ક્યાં હતું, બસ એક બિંદુ જ હતું.
         આમ શૂન્ય કઈ મૂલ્ય વિનાનું નથી પણ તેતો અમૂલ્ય છે. આપણાં હાથમાં છે કે શૂન્યનું
મૂલ્ય આપણે કેટલું આંકવું !

No comments:

Post a Comment